Pages

Thursday 22 February 2018

નરસિંહ મહેતા - Narsinh Mehta

નરસિંહ મહેતા (Narsinh Mehta) એટલે ગુજરાતી ભાષાના આદિકવિ (Adi poet) કે ભક્તકવિ(Bhakta kavi), અને નરસી ભગત (Narrsi Bhagat) કે ભક્ત નરસૈયો (Bhakt Narsaiyo) જેવા લોકપ્રિય નામથી આપણે જેને ઓળખીયે છીએ. ગુજરાતી ભાષાના અણમોલ રત્ન સમાન નરસિંહ મહેતાને ઊર્મિકાવ્યો, આખ્યાન, પ્રભાતિયા અને ચરિત્રકાવ્યોના આરંભ કરનાર માનવામાં આવે છે. જેના દ્વારા રચાયેલા પ્રભાતિયા આપણને સવારે સાંભળવા મળે છે, જેના ભજનો અને કાવ્યો પાંચસો વર્ષોથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ આજે લોકોના મનમાં તાજા છે, લોકો ભાવથી આ પદોને ગાય છે. ૧૫મી સદીમાં ભારતમાં જે ભક્તિ અંદોલનની શરૂઆત થઇ તેમાં ગુજરાતને ભક્તિનો રંગ લગાવનાર કવિ નરસિંહ મહેતાએ. જેમણે ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગના રહસ્યોને સૌપ્રથમ વાર કવિતાઓ અને ભજનો દ્વારા સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડ્યા. નાગર જેવી ઉચ્ચી જાતમાં જન્મ થયેલો હોવા છતાં અછુતવાસમાં જઈને ભજનો ગાયા, લોકોને નાત-જાતના અને જ્ઞાતિ ધર્મોના ભેદોથી ઉપર ઉઠાવી સહુ કોઈ હરિના જન(ભગવાનના સંતાન)છે એવી સમજણ આપી. આવા ક્રાંતિકારી વિચાર ધરાવનાર નરસિંહ મહેતાને ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી એટલે આપણા બાપુ પણ પોતાના આદર્શ માનતા હતા. બાપુનું સહુથી પ્રિય ભજન વૈષ્ણવજન એ નરસિંહ મહેતાએ રચેલું છે.

નરસિંહ મહેતાનું જીવનચરિત્ર:-

નરસિંહ મહેતાનું બાળપણ
નરસિંહ મહેતાનો જન્મ વિક્રમ સંવંત ૧૪૬૫૬૫(ઈ.સ.1409)ની આસપાસ કાઠીયાવાડના તળાજા ગામમાં (હાલનું તળાજા,ભાવનગર) વડનગરા બ્રાહ્મણની નાગર જ્ઞાતિમાં એક શૈવ-પંથી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ ‘કૃષ્ણદાસ’ કે ‘કૃષ્ણદામોદરદાસ મહેતા’ અને તેમની માતાનું નામ દયાકુંવરબાઈ હતું. નરસિંહ મહેતા જ્યારે પાંચ વર્ષના હતા, ત્યારે તેમના માતા-પિતાનું અવસાન થયું. બાળપણમાં જ  પોતાના માતા-પિતાને ગુમાવનાર નાનકડા નરસિંહના પાલન પોષણની જવાબદારી તેમના દાદી  ‘જયાગૌરીબાઇ’ કે ‘જયાકુંવરબાઇ’ સ્વીકારી. નરસિંહ મહેતાના દાદી જયાકુંવરબાઇ વૈષ્ણવ પંથી હતા. (ઇતિહાસકારો મુજબ નરસિંહ ના પિતા અને દાદા વિષ્ણુદાસ કે પુરષોતમદાસ એ શિવ પંથી હતા. નરસિંહ પર કૃષ્ણ ભક્તિના પ્રભાવનું કારણ તેમના દાદી નું પાલન પોષણ હતું.) દાદી નરસિંહને પોતાની સાથે નરસિંહના મોટા ભાઈ (નરસિંહના પિતાના મોટાભાઈ ના પુત્ર) બંસીધર ને ત્યાં જુનાગઢ લઈ આવ્યા. હવે નરસિંહ આઠ વર્ષનો થવા આવ્યો હતો, પરંતુ હજી સુધી તે કશું બોલી શકતો ન હતો. બ્રાહ્મણનો દીકરો મૂક(મૂંગા) હોય તો પોતાનું જીવન કઈ રીતે જીવી શકશે, પોતાની આજીવિકા કેમ મેળવશે આવા વિચારોના વંટોળથી નરસિંહના દાદી ઊંડી ચિંતામાં ડૂબી જતા. તેમને પોતાના પુત્રની આ અંતિમ નિશાની સમાન નરસિંહની ખૂબ જ ચિંતા થતી. લોકવાયકા મુજબ એકવાર જયારે બાળક નરસિંહ પોતાની દાદી સાથે ભાગવત-કથા સાંભળીને પરત ફરી રહ્યા હતા, ત્યારે એમને રસ્તામાં એક તપસ્વી સંતનો ભેટો થયો. નરસિંહના દાદીએ સંતનું અભિવાદન કરી, એ તપસ્વી સંતને બાળક નરસિંહ આઠ વર્ષનો થઇ ગયો હોવા છતાં બોલી ના શકતો હોવાની સમસ્યા વિશે જણાવ્યું. સંતે નરસિંહના નેત્રો માં દ્રષ્ટી કરી, અને નરસિંહની પાસે આવી તેના કાનમાં રાધે ગોવિંદ” “રાધે કૃષ્ણ ના મહામંત્રનું ઉચ્ચારણ કર્યું.  નરસિંહને રાધે ગોવિંદ નું નામ બોલવાનું કહ્યું, ધીરે-ધીરે જોતજોતામાં તો મૂંગો બાળક નરસિંહ રાધે ગોવિંદ” “રાધે કૃષ્ણ નામનું રટણ કરવા લાગ્યો. આ જોઈ સહુ કોઈ ચકિત રહી ગયા અને નરસિંહના દાદીની પ્રસન્નતા નો કોઈ પર ના રહ્યો.  ત્યારથી નરસિંહના જીવનમાં શ્રીકૃષ્ણની ભક્તિનો આરંભ થયો. જેણે નરસિંહ મહેતાને નરસિંહ ભગત બનાવી દીધા.  બસ, હવે તો નરસિંહ દિવસ-રાત શ્રીકૃષ્ણના નામનું રટન કરે, પ્રભુની ભક્તિ કરે, અને આખો દિવસ સાધુ સંતો ના સાનિધ્યમાં એમની સેવા ચાકરીમાં વિતાવે. સંતો અને વૈરાગીઓ માટે અખાડા બનાવે તેની યોગ્ય સાફસફાઈ થાય અને કોઈને અગવડતા ન થાય તેનું ધ્યાન રાખે. એ સમયગાળામાં વૃંદાવન, કાશી અને મથુરામાંથી ધણા લોકો વ્યાપાર માટે જૂનાગઢ આવતા, નરસિંહ તેમની સેવા કરતા અને એ લોકો પાસેથી નરસિંહ શ્રીકૃષ્ણ, રાધા, સુદામા, બલરામ, અને ગોવાળોના જીવન વિશે પ્રશ્નો પૂછ્યા અને શ્રી કૃષ્ણલીલા ની વાતો સાભળતા અને પોતાનો મોટાભાગનો સમય ભજન કીર્તન માં વીતાવતા હતા. ગામમાં જ્યાં જ્યાં હરી કીર્તન અને ભજન થતાં હોય ત્યાં નરસિંહ પહોંચી જાય અને પોતાના મધુર સ્વરમાં ભજનો ગાવા લાગતા. ઘણીવાર સાધુસંતોની સાથે ભજનો ગાતાં ગાતાં પોતાના ગામથી ઘણાં દૂર નીકળી જતાં અને એ વાતનું એમને ભાન પણ ના રહેતું.

નરસિંહ મહેતાના વિવાહ
નરસિંહ કશું કામ ના કરતો અને સાધુ સંતો સાથે રખડતો અને ભજનો ગાતો રહેતો અને આ બાબત થી નરસિંહ ના પરિવારજનો ને ચિંતા થતી. તેઓએ નરસિંહને ઘણા સમજાવ્યા છતાં તેમના વર્તનમાં કોઈ સુધારો ન જોવા મળ્યો. નરસિંહ આજીવિકા માટે કોઈ કામ ના કરતા. તેથી તેમના દાદી ને થયું કે ‘નરસિંહ હવે ઉમરલાયક થઈ ગયો છે, અને જો નરસિંહના લગ્ન કરી નાખવામાં આવે, તો લગ્ન બાદ સંસારની જવાબદારી આવતા તેના વર્તનમા સુધારો આવશે. વિક્રમ સંવત ૧૪૮૫ (ઈ.સ. 1429)મા એક સંસ્કારી, અને સગુણી માણેકબાઈ નામની કન્યા સાથે નરસિંહના લગ્ન કરવા આવ્યા. લગ્નના થોડા વર્ષો બાદ નરસિંહ મહેતાને ત્યાં બાળકોના જન્મ થયા પુત્રીનું નામ કુવરબાઇ પુત્રનું નામ શામળશા(શામળદાસ) રાખવામાં આવ્યા, આ સમયગાળા દરમ્યાન તેમના દાદીનું મૃત્યુ થયું. પરંતુ નરસિંહની સંસારના વ્યવહાર પ્રત્યેની નિષ્ક્રિયતા તેમની તેમ જ રહી. માણેકબાઈ એક પતિવ્રતા નારી હતા. તેથી પોતાના પતિ ની ભક્તિમાં કોઈ બાધા ના આવે તેની કાળજી રાખતા. નરસિંહ મહેતાને સંસારના વ્યવહારમાં રસ નહિ માટે તેમના ઘરનો બધો વ્યવહાર માણેકબાઈ પોતાના માથે લીધો. નરસિંહ મહેતા શ્રીકૃષ્ણની ભક્તિમાં મગ્ન રહેતા.

 ભાભીનું મહેણું અને નરસિંહને રાસલીલાના દર્શન
નરસિંહની કોઈ આજીવિકા ના હતી. જેથી નરસિંહ અને તેના પરિવારનો ભરણપોષણનો બોજો ભાઈ(બંસીધર) અને ભાભી(ઝવેરબાઈ મહેતી) પર આવી જતો. નરસિંહ મહેતાના ભાભી(ઝવેર મહેતિ) સ્વભાવે થોડા આકરા અને ગુસ્સાવાળા મિજાજના જેથી નરસિંહની આવી નિષ્ક્રિયતા જોઈ ના શકતા. તેઓ સતત નરસિંહ અને તેમના પરિવારને આકરા શબ્દો  કહેતા. તેઓ માણેકબાઈ અને તેના બાળકોનું અપમાન કરતા. પરંતુ નરસિંહ પર આનો કોઈ પ્રભાવ ના પડતો, એક દિવસ નરસિંહ મહેતાના ભાભીએ ખુબ ગુસ્સે થઇ ને નરસિંહની ભક્તિ પર અને પ્રભુશ્રધ્ધા પર ખુબ જ આકરા શબ્દોમાં નિંદા કરી. નરસિંહ ની ભક્તિ પર મહેણા ટોણા માર્યા, નરસિંહ પોતાના ભગવાન અને પોતાના ભગવાન પ્રત્યેની ભક્તિ નું આવું અપમાન ભગત સહન ના કરી શક્યા. અને તેમણે સંસારનો ત્યાગ કરી ‘પ્રભુ પ્રાપ્ત કરીશ અથવા જીવનને પ્રભુ ચરણોમાં અર્પણ કરીશ’ આવો સંકલ્પ લઈને, ઘરનો ત્યાગ કરી, જ્યાં તેઓ શાંતિથી પોતાની ભક્તિ કરી શકે એવા સ્થળની શોધમાં નીકળી પડ્યા. તેમણે ગામથી દૂર વનમાં જવાનો નિર્ણય કર્યો. તેઓ જંગલ તરફ ચાલવા લાગ્યા. જંગલ તરફ જતા માર્ગમાં તેમને એક ખંડેર દેખાયું. તેમણે જોયું તો ત્યાં તેમને એક શિવલિંગ નજરે પડ્યું, અને આ સ્થાન પર અપૂજ્ય શિવલિંગ ને જોઈને,  નરસિંહ મહેતાના મનમાં ભાવ જાગ્યો અને તેમણે તે ખડેર જગ્યાની સફાઈ કરી. વિધિવત શિવલિંગનું પૂજા અર્ચના કરી ભોળાનાથની  ભકિતમાં લીન થઈ ગયા. સાત-સાત દિવસ સુધી ખાધા-પીધા વિના શિવની ભકિતમાં લીન થયેલા નરસિંહ મહેતા પર અંતે મહાદેવે પ્રસન્ન થઇ દર્શન આપ્યા.(એ દિવસ ચૈત્ર સુદની ચૌદશ હતી એવું માનવામાં આવે છે.) નરસિંહના આનંદનો પાર ના રહ્યો. જયારે મહાદેવે નરસિંહને તેની મનોકામના પૂછી ત્યારે નરસિંહે તેમને ‘રાધા કૃષ્ણની રાસલીલા જોવાની ઈચ્છા પ્રગટ કરી’. ભક્તની ઇચ્છાને માન આપી મહાદેવે નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા. નરસિંહ મેહતા આવા અદ્વિત્ય અનુભવથી અભિભૂત થઇ ગયા. અને ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞાથી લોકોને જ્ઞાન અને ભક્તિનો સાચો માર્ગ બતાવવા તથા પોતે જોયેલી શ્રીકૃષ્ણલીલાનું લોકો ને રસપાન કરાવવા સંસારમાં પાછા ફર્યા. નરસિંહ મહેતાનુ જ્ઞાન અને ભક્તિનું ત્રીજુ નેત્ર ખુલી ગયું. જેના પ્રતાપે તેના અંતરમાંથી જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદો નુ ધોધ છૂટી નીકળ્યો. ભાભીનું મહેણું નરસિંહને ભગવાન પ્રાપ્ત કરવાનું નિમિત્ત બની ગયું.
આવા દિવ્ય અનુભવો પછી નરસિંહ મહેતા પ્રભુ આજ્ઞાથી જ્યારે પોતાના ઘરે પાછા આવ્યા, ત્યારે તેમણે પોતાના ભાભીનો ખુબ ખુબ આભાર માન્યો, શ્રદ્ધાભાવથી તેમના ચરણ સ્પર્શ કરીને કહ્યું ધન્ય હો તમે, ધન્ય હો, માર પર આવડો મોટો ઉપકાર કર્યો. મને પ્રભુનો ભેટો કરાવ્યો, તમે મારા ગુરુ છો. તમે મારો ઉદ્ધાર કર્યો છે તમારા પ્રતાપે આજે મે ઈશ્વરને પ્રાપ્ત કર્યા છે, આ ભવમાં ભલે મને ભાભી સ્વરૂપે મળ્યા પણ આવતા ભવમાં મને મા સ્વરૂપે મળજો
ત્યારબાદ નરસિંહ મહેતા પોતાના પરિવાર સાથે ભાભીના ઘરનો ત્યાગ કરી નીકળી ગયા.  પત્ની માણેકબાઈ ને ચિંતા હતી કે હવે શું કરીશું? ક્યાં જઈશું? ક્યાં રહીશું? પરંતુ નરસિંહને કોઈ ચિંતા નહોતી તેણે પોતાનું અને પોતાના પરીવારનું જીવન અને જીવનનો વ્યવહાર શ્રીકૃષ્ણના ચરણોમાં અર્પણ કરી દીધો. તેઓ પોતાના પરિવારને લઈને ગામની ધર્મશાળામાં રહેવા માટે ગયા, તપાસ કરતાં ત્રણ-ચાર દિવસ રહેવાની વ્યવસ્થા થઈ.  બે દિવસ ધર્મશાળામાં ભોજન વિના વિતાવ્યા પછી ત્રીજા દિવસે, બે દિવસથી પોતાના બાળકોને ભૂખ્યા જોઇને, અને આવતીકાલે ક્યાં જઈને રહેશું? વગેર જેવા વિચારોથી માણેકબાઈનું મન ચિંતામાં ડુબી ગયું. તે જ દિવસે એક માણસ ધર્મશાળામાં આવ્યો અને નરસિંહ મહેતાને કહ્યું નરસિંહ મહેતા તમે જ ને, હું એક બ્રાહ્મણ ની ખોજમાં છું જે મને હરી કથા(ભાગવત કથા) સંભળાવી શકે ગામમાં તપાસ કરતા તમારા વિષે જાણ થઇ”.  ભગતના જીવને તો પ્રભુ ગુણ સિવાય બીજું જોઈએ શું! તેમણે યજમાન નું નિમંત્રણ સ્વીકાર કર્યું, અને તેમની સાથે જઈને કથા કરી કથાની સમાપ્તિ પર એ સજ્જને નરસિંહ મહેતાને રહેવા માટે એક ઘર દાનમાં આપ્યું.
( આ એક ઘટના નહીં પરંતુ ત્યારબાદ આવી અસંખ્ય ઘટનાઓ થઈ જેમાં નરસિંહ મહેતાને એક યા બીજી રીતે સતત મદદ મળતી રહી, જેમકે બાળકોના લગ્ન, પિતાનું શ્રાધ્ધ, દિકરી નુ મામેરુ, જેવા વ્યવહારુ પ્રસંગો કોઈને કોઈ અણધારી મદદથી ઉકેલાતાં ગયા. જેને લોકોએ ભગવાનના પરચા માની લીધા અને નરસિંહ મહેતાએ પણ આ બધા પ્રસંગોને પ્રભુની લીલા કહી ભાવથી ગાયા છે)

દીકરી કુંવરબાઇનો વિવાહ
ત્યારબાદ દીકરી કુંવરબાઇ ઉંમરલાયક થતાં માણેકબાઈ ને તેના લગ્નની ચિંતા થવા લાગી. આ વાત તેમણે મહેતાજીને કીધી અને નરસિંહ જવાબ આપ્યો કુવર તો મારા નાથ ની દીકરી તેની ચિંતા કરવામાં, મહેતિ તેની ચિંતા કરશે મારો નાથ”. અને થયુ પણ એવુ જ સામે ચાલીને કુંવરબાઇ માટે માગું આવ્યું. નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઇ ના લગ્ન ઉનાના નિવાસી શ્રીરંગ મહેતાના પુત્ર સાથે નક્કી થયા. વિક્રમ સંવત ૧૫૦૨(ઈ.સ. 1445- 47ની આસપાસ)માં લોકો એ ક્યારેય કલ્પના ન કરી હોય એવા ધામધૂમથી કુંવરબાઇ ના વિવાહ થયા. લોકોને એમ હતું કે ‘આ દરિદ્ર નરસૈયો કરીયાવરમાં(દીકરી સાસરે જાય ત્યારે તેના માતા પિતા તરફ થી પોતાની પુત્રીને આપવામાં આવતી ભેટ) પોતાની પુત્રીને વળી શુ આપવાનો?’ પરંતુ લોકોની કલ્પનાની  વિરુદ્ધ લોકો આંખો ફાડીને જોતા રહી જાય એવો મોભા વાળો કરિયાવર હતો. કુંવરબાઇ પોતાના માતાની પાસેથી મળેલ શિખામણો અને પિતાના સંસ્કારોનો વારસો લઈને સાસરે જવા માટે નીકળી ગઈ.

નરસિહના પીતાનું શ્રાધ્ધ અને અન્ય પ્રસંગ
એકવાર જયારે નરસિંહ મહેતાના પિતાના શ્રાધ્ધના(પિતૃઓને પીંડ અર્પણ કરવાની વિધિ, પૂર્વજોના માનમાં બ્રાહ્મણોને કરવામાં આવતો ભોજનનો કાર્યક્રમ)પ્રસંગ માટે બે-ત્રણ બ્રાહ્મણને જમવાનું નિમંત્રણ આપવા માટે ગયા. પરંતુ અમુક લોકોએ નરસિંહ ને વાતોમાં ભોળવીને આખી નાગર નાતને જમવાનું નિમંત્રણ નરસિંહ મહેતા તરફથી છે એવો પ્રચાર કરી દીધો. જેથી સમગ્ર નાગર બ્રાહ્મણની નાત ને જમાડવાનું કાર્ય નરસિંહ પર આવી ચડ્યું, જેની પાસે સ્વયં પોતાના અને પોતાના પરિવાર ના ભોજન માટે નાણા અને અનાજ ના હોય તે આખી નાત ને કઈ રીતે જમાડે પરંતુ આ પ્રસંગે પણ કોઈ ચમત્કારી રીતે અણધારેલી મદદથી નરસિંહએ પ્રસંગને પણ પાર પાડ્યો. અને ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં નરસિંહની અને તેની ભક્તિની વાતો થવા લાગી. નરસિંહની લોકપ્રિયતાની સાથે જ ધણા લોકો નરસિંહને પોતાનો દુશ્મન સમજવા લાગ્યા. નરસિંહથી ઈર્ષા પામેલા લોકો ઉચિત તક ની વાત જોઈને બેઠા હતા, તેઓ સતત નરસિંહ વિરુધ કાવતરાઓ રચતા. નરસિંહને મન કોઈ નાત-જાતના ભેદ ના હતા તેમના માટે તો દરેક હરીના જન(પ્રભુના સંતાનો) હતા, તેમના વિચાર હતા કે
વૈષ્ણવજન તો તેને રે, કહીયે જે પીડ પરાઈ જાણે રે
સકળ લોકમાં સહુને વંદે નિંદાના કરે કેની રે.
જયારે નરસિંહ નીચી(અછુત, ઢેઢ) જાતી ના લોકોની વિનંતી ને માન આપીને તેમના રહેણાંક વિસ્તારમા(ઢેઢવાડો) ભજન કરવા ગયા, તો પેલા ઈર્ષાળુ લોકોને અવસર મળી ગયો. તેમણે ખટપટ કરીને નરસિંહ અને તેના પરિવારને નાગર નાત માંથી બહાર(બહિષ્કાર કર્યો) કાઢી મુકમાં આવ્યા, નરસિંહ અને તેના પરિવાર સાથે ના તમામ સંબધો ને તોડી નાખવામાં આવ્યા. ત્યારબાદ પ્રભુના ભક્તનું આવું અપમાન કરનાર સમગ્ર નાત ને તેનું ફળ ભોગવવું પડ્યું. નાગર નાત ના આગેવાનો જે કાવતરાખોર લોકોની વાતોમાં આવીને નરસિંહ મહેતાને નાત બહાર મુક્યા હતા. તેમણે નરસિંહની માફી માંગી અને પોતાની ભૂલને સુધારી નરસિંહ ને નાતમાં ફરી સંમિલિત કર્યા.

પુત્ર શામળશદાસનો વિવાહ
વડનગરના મદનમહેતાના પુરોહિત મદનમહેતાની પુત્રી માટે એક યોગ્ય ગુણવાન મુરતયાની શોધમાં અસંખ્ય છોકરાઓ જોતા જોતા જુનાગઢ આવ્યા. એમની આ ખોજ નરસિંહ મહેતાના પુત્ર શામળદાસ (શામળયો) પર આવીને પૂર્ણ થઇ. નરસિંહ મહેતાના પુત્ર શામળશાના વિવાહ વડનગર ના શ્રીમંત પ્રધાન મદનમહેતાની પુત્રી સુરસેના સાથે સુનિશ્ચિત કરવામાં આવ્યા. પરંતુ મદનમહેતાના પત્નીને પોતાની દીકરીની ખુબ ચિંતા થવા લાગી, તેમને થયું કે મારી ફૂલ જેવી દીકરીએ ગરીબ ખાનદાનમાં કેવી રીતે સુખી થશે, માટે તેમણે નરસિંહની પરીક્ષા લેવા એક પત્ર લખ્યો. થોડા દિવસો બાદ મદનમહેતાને ત્યાંથી પત્ર આવ્યો જેમાં લખ્યું હતુ કે અમારા માન અને મોભાને યોગ્ય હોય એવી જાન લઈને આવો તો જ અમારી દીકરીને સાસરે વળાવીએ, નહીતર શામળદાસ સાથે ના લગ્ન ને ફોકટ કરશું. આવા પ્રસંગે નરસિંહ મહેતાની અવસ્થા એવી નહી કે તે આવી જાન લઈને જઈ શકે. પરંતુ આ પ્રસંગે પણ નરસિંહ મહેતા ને પ્રભુ કૃપાથી અણધારી મદદ મળતી રહી.(દંતકથા મુજબ ભગવાન સ્વયમ શામળશાના વિવાહમાં હાજર રહી વિવાહ સંપન્ન કરાવ્યો)  સમગ્ર પંથકમાં લોકો જોતા રહી જાય તેવી રૂડી જાન લઈને નરસિંહ મહેતા પોતાના પુત્રના લગ્ન મંડપમાં પધારિયા અને શામળદાસના લગ્ન પૂર્ણ કરાવ્યા. લગ્ન બાદ નરસિંહ મહેતા પોતાના પુત્ર અને પુત્રવધુ સાથે પોતાના ગામ પાછા ફર્યા.

પુત્ર શામળશા અને પત્ની માણેકબાઈનું મૃત્યુ
લગ્નને થોડો સમય જ વીત્યો હતો ત્યાજ એક દુર્ઘટનામાં નરસિંહ મહેતાના પુત્ર શામળદાસ(અને પુત્રવધુ સુરસેના) મૃત્યુ પામ્યા. (એક લોકવાયકા મુજબ સારંગધર નામના એક નાગર બ્રાહ્મણ જે નરસીંહ મહેતાને પોતાના દુશ્મન સમજતા હતા. તેમણે નરસિંહ મહેતા પર ચોરીનો ખોટો આરોપ લગાવ્યો અને પોતાના પુત્ર હનુમંત ના ખોટા સોગંધ ખાધા અને પોતે ખોટો હોવાને કારણે તેના પુત્ર મૃત્યુ પામ્યો. હનુમંતની માતા નરસિંહ મહેતાને પગે પડ્યા અને હનુમંતનો જીવ બચાવવા માટે કરગરવા લાગ્યા. પરોપકારી જીવ નરસિંહ મહેતાથી ના જોવાયુ અને ભગવાનને પ્રાથના કરી કે હનુમંત જીવંત થાય અને તેના બદલામાં પોતાના પુત્ર શામળદાસના જીવ ને પ્રભુ ના ચરણે અર્પણ કરી દીધો. જેથી લગના થોડા દિવસોમાં જ શામળદાસ મૃત્યુ પામ્યો). નરસિંહ મહેતાની પત્ની માણેકબાઈ પર પોતાના એકના એક પુત્રના મોતની ઘટના નો ખુબ જ મોટો આઘાત પડ્યો. નરસીંહ મહેતાના પત્ની માણેકબાઈ આ પીડા સહન ના કરી શક્યા અને થોડા દિવસોમાં જ પુત્રના મૃત્યુના દુઃખની પીડામા પોતાનો જીવ છોડી દીધો. નરસિંહ મહેતા ના જીવનમાં તો દુઃખોના ડુંગરો તૂટી પડ્યા, પહેલા પોતાના કુળનો દિપક સમાન પુત્રના મૃત્યુથી પોતાના કુળનો નાશ થયો અને પોતાની અર્ધાંગીની(પત્ની)ના અવસાનથી જાણે સમગ્ર સંસારનોજ અંત જ ના થઇ ગયો હોય. પરંતુ આવા પ્રસંગે પણ નરસીંહ મહેતા એ પોતાની ભક્તિ અને ભગવાન પ્રત્યેની આસ્થા ડગવા ના દીધી. જેવી એમની સમાનતા એવી સમતા. અગવડ કે સગવડ, સુખ કે દુઃખ, પ્રશંસા કે નિંદા શાનાથીય તેઓ ચલિત ન થયા. પત્નીના અવસાન સમયે તેમની જીભેથી સારી પડ્યું,  ભલું થયું ભાંગી ઝંઝાળ સુખે ભજશું શ્રી ગોપાલ”  (સંસારમાં રહીને પણ નરસિંહની વૈરાગ્ય ભાવના અહી પ્રગટ થતી જોવા મળે છે.)

દિકરી કુંવરબાઇનું મામેરું
હવે નરસિંહ પોતાનો સંપૂર્ણ સમય પ્રભુ ભક્તિ માટે વાપરતા અને સાધુ સંતોની સેવા કરે. લોકોને પોતાની કવિતા અને ભજનો ના પદોથી જ્ઞાન અને ભક્તિની દિવ્ય અનુભૂતિ કરાવતા. તેમની વધતી જતી લોકપ્રિયતાથી હવે તેમનો વિરોધ કરનાર ઈર્ષાળુ લોકોની સંખ્યામા પણ વધારો થયો. આવા લોકો અવનવા રસ્તાઓથી નરસિંહ ને બદનામ કરવાનો, અપમાનિત કરવાનો, નીચા દેખાડવાનો પ્રયત્ન કરતા રહેતા હતા. એવા જ સમયગાળામાં નરસિંહના પુત્રી કુંવરબાઇનો સિમંત પ્રસંગ(એક રીવાજ છે જયારે કોઈ સ્ત્રી માતૃત્વના સાતમાં મહિનામાં હોય ત્યારે બાળક અને માતાના સ્વાસ્થય માટે પૂજા સ્ત્રીઓ સાથે મળીને પૂજા કરે) આવી પહોચ્યો. પોતાની પુત્રીનો પત્ર નરસિંહ ને મળ્યો. નરસિંહ પિતાના ધર્મનું પાલન કરવા દીકરીના સિમંતવિધિના પ્રસંગમાં જવા માટે નિકળ્યા. દીકરીના સાસરિયા તરફથી માંગવામાં આવેલા મામેરાની(સિમંતવિધિના પ્રસંગમાં બધા સાસરીયાવાળાને મનગમતી ભેટ આપવા માટે એક રિવાજ) ભેટોની યાદી નરસિંહે ભગવાનના ચરણોમા ધરી દીધી. પોતાના ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ અને થયું પણ એવુજ યાદીમાં લખેલી ભેટો કરતા પણ વિશેષ વસ્તુઓ કુંવરબાઇના મામેરામાં હતી. કોઈએ ના કર્યું હોય એવું ભવ્ય મામેરું નરસિંહ મહેતા એ કર્યું હતું.(કુંવરબાઇનું મામેરુ એ ભક્તની ભક્તિ અને ભગવાનની ભક્તપરાયણ અને વાત્સલ્યતાના પ્રતિક સમાન ગુજરાતી ભાષાના અનેક કવિઓએ વખાણ્યું છે.)  આ પ્રસંગે પણ નરસિંહને ઈશ્વરીય(અણધારેલી) મદદ મળી રહી. દીકરીના મામેરાનો પ્રસંગ સુખેથી પૂરો કરી. તેઓ જુનાગઢ પાછા આવ્યા અને કુંવરબાઇના મામેરાના પ્રસંગ બાદ નરસિંહની લોકપ્રિયતા ખુબ વધવા લાગી.
ઈર્ષાળુ લોકોથી હવે આ સહન થયું નહિ, તેઓ હવે નરસિંહને મારી નાખવા માંગતા હતા. તેની માટે યોજનાઓ બનાવવા લાગ્યા, પોતાની યોજના પ્રમાણે તેમણે નરસિંહને ગ્રામલોકોની દ્રષ્ટિમાં વ્યભિચારી બતાવી મારી નાખવાની યુક્તિ અપનાવી. જેના માટે નરસિંહ જે સ્થાન પર રહેતા હતા, તે સ્થાન પર એક નગરવધુને(વૈશ્યા, દેહનો વેપાર કરનાર સ્ત્રી) મોકલી. પરંતુ જેમ પારસમણીનો સ્પર્શ થતા લોખંડ પણ સોનું બની જાય તેમ થોડા જ દિવસોમાં નરસિંહની ભક્તિના પ્રતાપે એ નગરવધુએ(ઇતિહાસકારોના મતે તેનું નામ ત્યારબાદ રતનબાઇ રાખવામાં આવ્યું) પોતાનો વ્યવસાય છોડી તપસ્વી બની શ્રીકૃષ્ણની ભક્તિના રંગમાં રંગાઈ ગઈ. પોતાનું જીવન શ્રીકૃષ્ણના ચરણોમાં અર્પણ કરી દીધું.

નરસીંહ મહેતાની ભકતીનો પ્રતાપ
આ બનાવ પછી પણ પેલા ઈર્ષાળુ અને કપટી લોકોની મતીમાં કોઈ સુધારો ના આવ્યો. એ લોકોએ નરસિંહ વિરુધ, લોકોને ગેરમાર્ગે દોરી જવાના ખોટા આરોપ અને માયાજાળ બતાવી નિર્દોષ લોકોને ભ્રમિત કરવાના બનાવ જેવી અફવાઓને લોકો વચ્ચે રજુ કરવા લાગ્યા. તે સમયના જુન્નાગઢમાં ચુડાસમા વંશના રાજવી રાજા રા’માંડલિક નું શાસન હતું. ઈર્ષાળુ લોકોએ નરસિંહ વિરુધ રાજાના કાનમાં વાતો નાખવાનું શરુ કરી દીધું. રાજાને એ બાબતમાં વિશ્વાસના હતો કે નરસિંહ ની ભક્તિ ખોટી હોય પરંતુ તેમણે પોતાના રાજધર્મનું પાલન કરતા નરસિંહ મહેતાની તપાસ કરવાનો આદેશ આપ્યો. મંત્રી ને ગામમાં તપાસ કરતા નરસિંહની મહેતાના વિરોધમાં ઘણી બાબતો(પેલા લોકોએ ઉપજાવેલી) જાણવા મળી. મંત્રીએ દરેક બાબતથી  રાજાને અવગત કરાવ્યા. રાજાએ નરસિંહને અનૈતિક વર્તનની શંકાના આરોપમાં કેદ કરવાનો આદેશ આપ્યો. આ પ્રસંગે પણ નરસિંહની પ્રભુ પ્રત્યેની ભાવનામાં કોઈ ઓટ ના આવી. તેમના મુખેથી અનાયાસ નીકળી પડ્યું કે વાહ મારા પ્રભુ વાહ ભક્તને ભજન કરવામાં કોઈ બાધાના પહોચે એ માટે આવી વ્યવસ્થા કરી’. નરસિંહને કેદ કરી રાજ દરબારમાં હાજર કરવામાં આવ્યા. રાજ દરબારમાં તેમના વિરુધ અનૈતિકતાનો આરોપ લગાવામાં આવ્યો. અને પોતાની નિર્દોષતા સિધ્ધ કરવા માટે ભગવાનની મૂર્તિને રાજાની નિશાની વાળો હાર પહેરાવમાં આવ્યો અને નરસિંહ ને કહેવામાં આવ્યું કે ‘જો તમારી ભક્તિ સાચી હોય તો કરો તમે તમારા ભગવાનને પ્રાથના અને આ હાર પોતાને પહેરાવવાની વિનંતી કરો, જો તમે સાચા હશો તો પ્રભુ તમને આ હાર જરૂરથી પહેરાવશે, અને જો એવું નહિ થાય તો કાલે સવારમાં સમગ્ર પ્રજાની સામે તમને મૃત્યુદંડ આપવામાં આવશે.’ નરસિંહ મહેતાતો નિશ્ચિત બેસીને ભગવાનના ભજનનો ગાવા લાગ્યા એક પછી એક અનેક ભજનો ગાઈ ને સમગ્ર પ્રજાને સંભળાવ્યા. ધીરે ધીરે આખી રાત વીતવા આવી. પરંતુ સૂર્યોદય  પહેલા જ સમગ્ર પ્રજાના જોત જોતામાં ભગવાનની મૂર્તિને પહેરાવેલો હાર ઉડીને નરસિંહ મહેતાના ગાળામાં આવી પહોચ્યો. રાજવી અને સમગ્ર પ્રજા નરસિંહ મહેતા અને તેની ભક્તિનો આવો પરચો જોઈને આશ્ચર્ય ચકિત રહી ગઈ. સમગ્ર પ્રજા અને રાજા નરસિંહ ને નત મસ્તક થઇ ગયા. જે લોકો નરસિંહ ને પોતાનો દુશ્મન સમજતા હતા તેમને પણ નરસિંહની માફી માંગી.

નરસિંહ મહેતાની હુંડી
(આ ઉપરાંત એક હુંડીનો પ્રસંગ ગુજરાત નહિ પણ ભારતના ઘણા ભાગોમાં ધણો લોકપ્રિય છે, પરંતુ ઘણા ઈતિહાસકારો આ ઘટનાનો વિરોધ કરે છે. તેમના મતે હુંડી ભજનની રચના નરસિંહ મહેતાના મૃત્યુ બાદ કરવામાં આવી છે. એ જે કઈ પણ હોય પરંતુ શ્રધ્ધા અને ભક્તિના  વિષયમાં પુરાવાની આવશ્યકતા હોતી નથી. હુંડી ભજન એ લોકોમાં ખુબ લોકપ્રિય અને પ્રચલિત છે.)
ઘટના એવી હતી કે એક વાર સાધુ સંતો સાથે ભક્તોનું એક સમૂહ યાત્રા કરતુ કરતુ નરસિંહ મહેતાના ગામમા આવી ચડ્યા. નરસિંહ મહેતાએ તેમનું સ્વાગત અને જલપાન કરાવી અતિથીનો આદર સદકાર કર્યા. અજાણ્યા ગામમાં આવો આદર જોઇને યાત્રાળુઓ ખુબ રાજી થયા. યાત્રામાં આવેલા વ્યાપારી લોકોએ નરસિંહ મહેતાને જતા જતા વિનંતી કરી કે તે એમને હુંડી(સરળ ભાષામાં એ સમયના ચેક જેવી વ્યવસ્થા)  લખી આપે જેથી કોઈ પણ જોખમ વગર તેઓ યાત્રા કરી શકે. નરસિંહ મહેતાએ  યાત્રાળુને માર્ગમાં બાધા ના આવે એ માટે તેમને એક હુંડી શામળશા શેઠના(ભગવાન શ્રીકૃષ્ણના) નામે લખી આપી. યાત્રાળુઓ યાત્રા કરતા મહાનગરમાં આવી પહોચ્યા. નરસિંહ મહેતાએ જે શામળશા શેઠના નામ પર હુંડી લખી આપી હતી તેની શોધ કરવા લાગ્યા, પરંતુ સમગ્ર નગરમાં તપાસ કરતા પણ આવા નામના કોઈ શેઠ છે એ બાબતના પુરાવા મળ્યા નહિ. આખરે થાકીને તે લોકો એક ધર્મશાળામાં રોકાયા. તેઓ મનો મન નરસિંહ મહેતાએ તેમને મુર્ખ બનાવ્યા, શામળશા શેઠ નામનો તો કોઈ માણસ નગરમાં છે જ નહિ’ એવી વાતો કરવા લાગ્યા. ત્યાજ અચાનક એક વ્યક્તિ યાત્રાળુઓને શોધતા શોધતા ધરમશાળામાં આવ્યા અને નરસિંહ મહેતાની હુંડી સ્વીકારીને તેના નાણા તે યાત્રાળુ વેપારીને ચૂકવી આપ્યા. દંતકથા મુજબ તે હુંડી સ્વીકાર કરનાર બીજું કોઈ નહિ ભગવાન શ્રીકૃષ્ણ સ્વયંમ હતા.(હુંડીના પ્રસંગની અન્ય ઘણી કથાઓ છે, જેમકે નરસિંહના પુત્રના લગ્ન સમયે હુંડીની ઘટના ઘટી. પરંતુ મૂળ વાત એ છે કે ભગવાને નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી.)

નરસિંહ મહેતાનું મૃત્યુ
નરસિંહ મહેતાના મૃત્યુ અંગે કોઈ સચોટ માહિતી નથી. પરંતુ લોક માન્યતા પ્રમાણે નરસિંહ મહેતાનું મૃત્યુ (ઈ.સ.1488) ૭૯ વર્ષની ઉમરની આસપાસ કાઠીયાવાડના માંગરોળ નામના ગામમાં થયું હતું. આ ગામમાં હાલમાં એક ‘નરસિંહ મહેતા સ્મશાન’ નામનું સ્મશાનગૃહ છે. અને એવું કહેવામાં આવે છે કે આજ સ્થળ પર નરસિંહ મહેતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પોતાના સંપૂર્ણ જીવનમાં તેમણે અનેક સાહિત્યનુ સર્જન કર્યું. જે આજે આટલો સમય વીતી ગયો હોવા છતા આજે પણ સંભાળનારને પરમ આનંદનો અનુભવ કરાવે છે. 
 
નરસિંહ મહેતાની રચનાઓ વિશે:-
નરસિંહ મહિતાએ પોતાના જીવનકાળ દરમિયાન ઘણા બધા પદો, કાવ્યો, અને ભજનોની રચના કરી પરંતુ આ તમામ રચના તેમને ગાઈને કરી હતી, માટે જે કોઈ સચોટ મહીતી નથી કે તેમણે કેટલા પદોની રચના કરી હતી. પરંતુ નરસિંહ મહેતા દ્વારા રચિત ૨૨૦૦૦થી પણ વધુ ભજનો વૈષ્ણવ સંપ્રદાયોમાં જોવા મળે છે, રસપ્રદ વાત એ છે કે નરસિંહ ની ઘણીબધી રચના એ અન્ય ભાષામાંથી પણ પ્રાપ્ત થઇ છે. નરસિંહના પદોગુજરાત જ નહિ પણ સમગ્ર ભારતમાં ગવાતા જોવા મળે છે. નરસિંહ મહેતાની રચનાઓ મૌખિક રીતે સચવાયેલી છે. ગુજરાત વિદ્યા સભાના સભ્ય અને ગુજરાતી ભાષાના લેખક કેશવરામ કાશીરામ શાસ્ત્રી(કે. કા. શાસ્ત્રી)એ પોતાના પુસ્તક ‘નરસિંહ મહેતા- એક અધ્યયન’ માં નોધેલું છે કે નરસિંહ મહેતા દ્વારા રચાયેલ પદોની સહુથી જૂની લેખિત હસ્તપત્ર ઈ.સ. 1612ની આસપાસમાં બનાવેલા મળી આવેલ છે. જેમની કેટલીક હસ્ત્લીપીને હજુ સાચવામાં આવેલ છે. આ ઉપરાંત નરસિંહ મહેતાની રચનાઓ મૌખિક અને ખુબ લોકપ્રિય હોવાને કારણે તેમાં થોડા ફેરફાર થયેલા જોવા મળે છે. નરસિંહ મહેતાની રચનાઓ વિષે અનેક લેખકો અને ઇતિહાસકારોએ સંસોધેન કરેલા છે. નરસિંહ મહેતાની રચનામાં  ઝુલણ છંદ અને કેદારો રાગ મુખ્ય સ્વરૂપે જોવા મળે છે.
નરસિંહ મહેતાની કૃતિઓની યાદી:-
Ø  આત્મચરિત્રાત્મક રચનાઓ:
        શામળદાસનો વિવાહ(પુત્ર વિવાહ),  મામેરું(કુંવરબાઇનું મામેરું) ઝારીના પદો, હારમાળાના પદો, માનલીલા,  રુક્મિણીવિવાહ, સત્યભામાનું રુસણું, દ્રૌપદીની પ્રાર્થના, પિતાનો શ્રાદ્ધ     
Ø  ભજનો
        વૈષ્ણવજન,  શ્રીકૃષ્ણજન્મ વધાઈ, ભોળી ભરવાડણ, આજની ઘડી રળિયામણી,
Ø  અન્ય રચનાઓ

        સુદામા ચરિત્ર, સુરતસંગ્રામ, શ્રીકૃષ્ણની બાળલીલા, શ્રીકૃષ્ણની રાસલીલા, શ્રીકૃષ્ણ વિહાર,
, દ્વાદશમાસ, રાસસહસ્ત્રપદી, ચાતુરીછત્રીસી, ગોવિંદગમન, ચાતુરીસૌળસી, બાળલીલા, દાણલીલા, રાસલીલા, ઘડપણ વિશે વસંતવિલાસ, શૄંગાર, જ્ઞાન વૈરાગ્ય, ભક્તિ, હીંડોળા વગેરે વિષયના અપ્દ, નૃસિંહવિલાસ, શૃંગારમાળા, હારમાળાનું પરિશિષ્ટ, , મામેરું, , અંતરધાન સમયના પદસહસ્ત્રપદીરાસ,


નરસિંહ મહેતા વિષે અન્ય માહિતીઓ:-
Ø  જેના પદો ગુજરાતના ઘર ઘરમાં ગુંજતા હોય તેવા કવિની યાદમાં આદિકવિ નરસિંહ મહેતા સાહિત્યનીધી ટ્રસ્ટ(જુનાગઢ, ગુજરાત) દ્વારા દર વર્ષની શરદ પૂર્ણિમાના દિવસે ગુજરાતી સાહિત્યના સર્વોતમ કલમકારને આ પુરસ્કાર આપવામા આવે છે.(પુરસ્કાર સ્વરૂપે નરસિંહ મહેતાની મૂર્તિ અને રોકડા ૧,૫૧,૦૦૦(RS. 1,51,000) આપવામાં આવે છે. આ એવોર્ડ ગુજરાતી ભાષાના સર્વોચ્ચ માંથી એક છે)
Ø  ગુજરાતી ભાષાની પ્રથમ બોલતી ફિલ્મ નરસિંહ મહેતાના જે એમના જીવન પ્રસંગો પર આધારિત હતી. આ ફિલ્મ 7 એપ્રિલ 1932માં સિનેમા ઘરોમાં પ્રદશિત કરવામાં આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન નાનુભાઈ વકીલ અને તેની કથા ચતુભુજ દોશીએ લખી હતી. ચીમનભાઈ દેસાઈ આ ફિલ્મના પ્રોડ્યુસર હતા.
Ø  ગુજરાત સરકાર દ્વારા લગ્ન કરી સાસરે જતી આદિજાતિની કન્યાને 3000ના વિકાસપત્રો અને 2000ની રોકડ સહાય કુંવરબાઇનું મામેરું યોજના હેઠળ આપવામાં આવે છે


16 comments:

  1. ખુબ ઉત્તમ માહિતી

    ReplyDelete
    Replies
    1. ધન્યવાદ સાહેબ
      મારા આ બ્લોગ પર તમારી પ્રથમ કોમેન્ટ છે.

      ~gujarati khajano

      Delete
    2. ઉત્કૃષ્ટ માહિતી

      Delete
  2. Very much informative. So proud as Gujrati. Too much easy to understand for common people. Jay Shri Krishna.

    ReplyDelete
  3. Do you mind sharing your references? Especially, how he was known as bhagat kavi?

    ReplyDelete
  4. શ્રી કૃષ્ણ એ નરસિંહ મહેતાને કયો રાગ ભેટમાં આપ્યો હતો ?

    ReplyDelete
    Replies
    1. Kedar Raag (રાગ કેદાર)

      Delete
  5. Superb very very nice and heart touching information.

    ReplyDelete
  6. નરસિંહ મહેતા ના પદો કઈ રીતે જાણીતા છે?

    ReplyDelete
  7. સાહેબ માહિત સ્પર્ધાત્મક પરીક્ષા માટે પૂરતી છે આભાર

    ReplyDelete
  8. Live Casino Review 2021 - Lucky Club
    Live casino is an interesting luckyclub.live online gambling site that was established in 2018. The site is owned and operated by The Wizard of Oz, but it is owned Live Casino: 100% up to R1000

    ReplyDelete
  9. D7UF-16AJ-MGDR-42WR and I

    ReplyDelete
  10. D7UF-16AJ-MGDR-42WR and I

    ReplyDelete
  11. નરશી મહેતાના આત્મચરિત્ર ના પદો જવાબો

    ReplyDelete